Sunday, June 14, 2009

મારા પિતાજી, "પારસ" ની મને ગમતી રચનાઓ . . . . .

પ્રિય મિત્રો,

સાબરકાંઠા જીલ્લાનાં પ્રાંતિજ તાલુકા માં ઓરાણ નામે ગામ છે. આજથી ત્રીસેક વર્ષો પહેલાં મારાં પિતાજી એ નોકરી અર્થે ત્યાં વસવાટ કરેલો. તે વખતે સાબરમતી નદી ને કીનારે આવેલું આ ગામ કેવડીયા ના વન થી સુશોભીત કોતરો અને તેમાં થી વહેતાં ઝરણાંઓ થી રમણીય હતું. ગામ નાં ખેતરોમાં આવતી સારસ ની પ્રણયબેલડીઓ મારાં પિતાજીને આજે પણ સ્મ્રુતી માં છે.

કમનસીબે આજે તે ગામ માં ઝરણાં, કેવડીયા કે સારસ કશું નથી . . . . .

તે વખતે મારા પિતાજીએ રચેલી એક કવિતા . . . . .

ઝરણું . . . . .

કેવડીયાના વન માં ફરતું
હું તો વન વગડાનું ઝરણું,

પથ્થર ઓથે, કંકર ઓથે પલ્લવ સથે ચાલું,
શિતળ મીઠાં પાણી લઇને લટક મટક હું મ્હાલું.

મ્હાલે જ્યમ એક ઝરણું,
હું તો વન વગડાનું ઝરણું,

અવની કેરા પટ ઉપર હું સંતાકુકડી રમતું,
સૂકાં પલ્લવ, કેવડીયાને સાથી મારું તરણું.

મુજને ખોળી કાધે હરણૂં,
હું તો વન વગડાનું ઝરણું,

ટ્રુક ટ્રુક કરતાં સારસ પીતાં લાંબી ચાંચ ઝબોળી,
નીલ ગગન માં ઉડી જતાં નિજ પાંખો ફફડાવી.

મુજેને આવે એમનું શમણૂં,
હું તો વન વગડાનું ઝરણું,

કેવડીયાના વન માં ફરતું
હું તો વન વગડાનું ઝરણું,


-હિરાભાઇ પંડયા "પારસ" .







શબ્દો . . . . .

મારે તમને શું કહેવું ? શોધી રહ્યો છું શબ્દો,
કહેવા જેવું જે છે તે, ખોવાઇ ગયા છે શબ્દો.

બંધ હોઠ ના કમાડ પાછળ છુપાયું કોણ છે?
ચોર જેવું જે છે તે, અંકાઇ ગયા છે શબ્દો.

આંખો બહાર તો અક્ષરોને શબ્દો ઝર્યા કરે,
મૌન જેવું જે છે તે, અંકાઇ ગયા છે શબ્દો.

હવે બોલશો કે પછી ઊભા ક્યાં સુધી રહેશો,
સ્મિત જેવું જે છે તે, બંધાઇ ગયા છે શબ્દો.

અક્ષરો જે ઘુંટાયા હતા એક હથેળી પર,
"પારસ" જેવું જે છે તે, લખાઇ ગયા છે શબ્દો.

મારે તમને શું કહેવું ? શોધી રહ્યો છું શબ્દો,
કહેવા જેવું જે છે તે, ખોવાઇ ગયા છે શબ્દો.

-હિરાભાઇ પંડયા "પારસ" .



વગેરે વગેરે . . . . .


હ્રદયનું ધબકવુંને હોઠો નું કંપન વગેરે વગેરે
દિપકનું ભભકવુંને આંખોનું અંજન વગેરે વગેરે.

ગયું ક્યાં તમારી પાસે જે હતું તે ?
અધર નું મરકવું, ને ગાલો નું ખંજન વગેરે વગેરે.

આ રેતી નું રણ, ના હોયે સરોવર,
કળીનું ઉઘડવું ને, ભ્રમરો નું ગુંજન વગેરે વગેરે.

ઉડી ગયું જે, હતું મુઠ્ઠી બાંધ્યુ,
સમયનું સરકવું ને, સંબંધો નું બંધન વગેરે વગેરે.

પારસ હવે ક્યાં છે, ચાહના સ્પર્શ ની પણ,
શબ્દોનું પરખવું, ને અર્થોનું રંજન વગેરે વગેરે.

હ્રદયનું ધબકવુંને હોઠો નું કંપન વગેરે વગેરે
દિપકનું ભભકવુંને આંખોનું અંજન વગેરે વગેરે.

-હિરાભાઇ પંડયા "પારસ" .



મળી છે . . . . .

અમારી તો દુનિયા નિરાળી ઘડી છે;
કે મજા અમને આખર પીડા થી મળી છે.

કોણ દોસ્તો ને દુશ્મનો દુનિયા માં ?
કે ઇજા અમને આખર વફા થી મળી છે.

વિશ્વાસ હશે તો ચલશે શ્વાસ મારો,
કે હવા અમને આખર સવાઇ મળી છે.

આશિર્વાદે કેવા, અપરાધો ના જેવા,
કે સજા અમને આખર ભલા થી મળી છે.

છોડો ચિંતા પારસ, જે થશે થવાનું,
કે દુવા અમને આખર તમારી મળી છે.

અમારી તો દુનિયા નિરાળી ઘડી છે;
કે મજા અમને આખર પીડા થી મળી છે.

-હિરાભાઇ પંડયા "પારસ" .


કારણ વીના . . . . .

ચાલ મળીએ અને જુદા પડીએ કારણ વીના,
સાવ અમસ્તા કારણો ઉભા કરીએ કારણો વીના.

માનો યા ના માનો તોય એવી સંભાવના છે,
કે તમે પણ માનો છો કે મળીએ કારણ વીના.

કારણકે તમે કારણો તણા સંગ્રાહક છો,
છેદ ખોટા કારણો નો ઉડાડી દઇએ કારણ વીના.

કારણ વીના આ દુનિયા પણ બની નથી,
"પારસ" આબધા કારણો ઓ નકાર ના બહાના,

ચાલ, એક કસોટી એ તો ચડીએ કારણ વીના.
ચાલ મળીએ અને જુદા પડીએ કારણ વીના,

સાવ અમસ્તા કારણો ઉભા કરીએ કારણો વીના.

-હિરાભાઇ પંડયા "પારસ" .







માળો . . . . .


શમણે ગુંથેલો એક સુઘરીનો માળો, એ તો સૂકાં તણખલા ના હોય !
એક એક તણખલે લીલી છમ્મ યાદ, એતો કાંટા ને ઝાંખરા ન હોય !

ઝીલ્યાં જેણે મારાં ગીત ને સંગીત, એ વાવ તો અવાવરું ના હોય !
શમણે ગુંથેલો એક સુઘરીનો માળો, એ તો સૂકાં તણખલા ના હોય !

લીલો લીલકાતો તણખલાં નો હિંચકો, એ તો લટકતો માળો ના હોય !
આ તો મારું ગોકુળને મારું વનરાવન, એ તો ભડકતો વગડો ના હોય !

એ વગડાનાં તડકા માં પ્રીત મારી પ્રાંગરી, એ તો ખંડેર ને પાળીયા ના હોય !
શમણે ગુંથેલો એક સુઘરીનો માળો, એ તો સૂકાં તણખલા ના હોય !

-હિરાભાઇ પંડયા "પારસ" .