Tuesday, July 21, 2009

મન મોર બની થનગાટ કરે

બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મોર બની થનગાટ કરે

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે
નવે ધાનભરી મારી સીમ ઝૂલે.
નવ દીન કપોતની પાંખ ખૂલે.
મધરા મધરા મલકઐને મેંડક મેંહસું નેહસું બાત કરે
ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.
મન મોર બની થનગાટ કરે

નવ મેઘ તણે નીલ આંજણિયે મારા ઘેઘૂર નૈન ઝગાટ કરે.
મારા લોચનમાં મદઘેન ભરે.
મારી આતમ લે’ર બિછાત કરે
સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે
ઓ રે ! મેઘ અષાઢીલો આજ મારે દોય નેન નિલાંજન-ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ કરી લટ મોકળીયુ ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઉભેલ અરે
ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ જોવ અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મે’લ પરે
મન મોર બની થનગાટ કરે

નદીતીર કેરા કુણા ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે
પટ-કુળ નવે પાણી-ઘાટ પરે !
એની સુનમાં મીટ મંડાઇ રહી
એની ગાગર નીર તણાઇ રહી
એને ઘર જવા દરકાર નહી
મુખ માલતીફૂલની કુંપળ ચાવતી કોણ બીજા કેરૂં ધ્યાન ધરે!
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે!
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુકની ડાળ પરે
ચકચૂર બની ફૂલ-ડાળ પરે
વીખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે
શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઉડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!
મન મોર બની થનગાટ કરે

ચારણ-કન્યા !

ગુજરાતી powered by Lipikaar.com
સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે?
બાવળનાં જાળાંમાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !
વાડામાંવાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે !
કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે આંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ !લસ ! કરતી જીભ ઝુલાવે.

બહાદુર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડ્ગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઇ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે
જાણે આભ મિનારા ઊઠે

ઊભો રે’જે !
ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા !તું ઊભો રે’જે !
ચોર-લૂંટારા ઊભો રે’જે
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ-કન્યા !
ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘુમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઊઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણમેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મુછાળો ભાગ્યો
નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

–ઝવેરચંદ મેઘાણી

Friday, July 17, 2009

રંગભર સુંદર શ્યામ રમે જી…રે….

સર સર પર સધર અમર તર, અનસર કરકર વરધર મેલ કરે,
હરિહર સૂર અવર અછર અતિ મનહર, ભર ભર અતિ ઉર હરખ ભરે,
નિરખત, નર પ્રવર, પ્રવરગણ નિરઝર, નિકટ મુકુટ શિર સવર નમે,
ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી…રે….

ઝણણણણણ ઝણણ ખણણ પદ ઝાંઝર, ગોમ ઘણા ગણણણણ ગયણે
તણણણ બજ તંત ઠણણણ ટંકારવ, રણણણ સુર ધણણણ રયણે
ત્રહ ત્રહ અતિ ત્રણણ ધ્રણણ બજ ત્રાંસા, ભ્રમણ ભમર વત રમણ ભ્રમે.
ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી…રે…..

ઝટ પટ પર ઉલટ પલટ નટવત ઝટ, લટ પટ કટ ઘટ નિપટ લલે
કોકટ અતિ ઉકટ ત્રુકટ ગતિ ધિન કટ, મન ડરમટ લટ લપટ મલે.
જમુના તટ પ્રગટ અમટ અટ રટ જૂટ, સૂર પટ ખેખટ તેણ સમે,
ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….

ધમંધમ અતિ ધમક ઠમક પદ ઘૂઘર, ધમધમ ફળ સમ હોત ધરા,
ભ્રમ ભ્રમ વત વિષય પરિશ્રમ વ્રત ભ્રમ, ખમ ખમ દમ અહી વિડૂમ ખરા,
ગમ ગતિ અતિ અગમ નિગમ ન લહત ગમ, નટવત રમઝમ ગમ મન મેં
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે…

ગત ગત પર ઊગત તૂગત, નૃત, પ્રિયગત રત ઉનમત, ચિત્ત વધત રતિ,
તત પર ઘ્રત નચત ઉચત મુખ થૈથત, આબ્રત અત ઉત ભ્રમત અતિ,
ધિધીતત ગત વજત ભ્રદંગ, સૂર ઉધધત, કૃત ભ્રત નર તમ અતંત ક્રમે,
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગ ભર સુંદર શ્યામ રમે જી…. રે….

ઢલ ઢલ રંગ પ્રગલ અઢલ જન પર ઝલ ઝલ અણ કલ તેજ ઝરે
ખલખલ ભૂજ ચુડ ચપલ અતિ ખલકત કાન કતોહલ પ્રબલ કરે,
વલવલ ગલ હસ્ત તુ મલ ચલ ચિતવલ, જુગલ જુગલ પ્રતિ રંગ જમે
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….

સરવસ વસ મોહ દરસ સુરથિત શશિ, અરસ પરસ ત્રસ ચરસ અતિ
કસકસ પટ હુલસ વિલસ ચિત આક્રશ, રસ બસ ખુસ હસ વરસ રતિ,
ટ્રસ નવ રસ સરસ ભયો બ્રહ્માનંદ, અનરસ મનસ તરસ અધમે,
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….

Tuesday, July 14, 2009

ડાંગરના ખેતરમાં તડકો

ડાંગરના ખેતરમાં તડકો


ડાંગરના ખેતરમાં તડકો
રોજ સવારે ઝૂલે ડાંગર થઈને
રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર
પીળાં પીળાં રાઈ તણાં ફૂલ થઈને

દૂર ક્યારડો વાલોળે લીલો
ભમ્મર થઈને ચક્કર ચક્કર ઘૂમતો
ને પાસ થોરની ટોચ ટૂકડો આભ બનીને
ચટાક રાતો રંગ લહેરમાં ચૂમતો
બહાર ઊભેલો આંબો એનાં
પાન પાન આ ઊડી જાય રે પંખીટહૂકા થઈને

ડાંગરના ખેતરમાં તડકો
રોજ સવારે ઝૂલે ડાંગર થઈને

નીક મહીં ખળખળતા જળમાં
આભ પડી અમળાય
સૂરજનાં અસ્ત વ્યસ્ત ટુકડા તરતા રેલાય
કાંટાળા બાવળમાંથી સૂરજનાં કિરણો
જીર્ણશીર્ણ થઈ તિરાડ તૂટી ભોંય ઉપર ઠેલાય
રંગરંગનાં પડ્યાં ગાબડાં સીમ મહીં
ને સીમ તણા શેઢાઓ તો આ
ખીલે રે ફૂલે રે ઝૂલ સવાર થઈને

ડાંગરના ખેતરમાં તડકો

રોજ સવારે ઝૂલે ડાંગર થઈને

-મણિલાલ દેસાઈ

મીઠી માથે ભાત

મીઠી માથે ભાત


(દોહરો)
ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ
સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ, ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ


નવાણ છે નવ કોસનું, ફરતા જંગી ઝાડ, રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ
પટલાણીએ પુત્રનું, મુખ દીઠું છે માંડ, મીઠી ઉંમર આઠની, બહેન લડાવે લાડ


શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ, વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ
કેળ સમી સૌ શેલડી, ઝૂકી રહી છે ઝુંડ, રસ મીઠાની લાલચે, ભાંગે વાડો ભૂંડ


ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર, બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યાં તૈયાર
સોંપ્યું સાથી સર્વને બાકી બીજા કામ, સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ


પટલાણી પેખી રહી, પટેલ કેરી વાટ
રોંઢા વેળા ગઈ વહી, પડતું ટાઢું ભાત
(ભુજંગી)
કહે મા, ‘મીઠી લે હવે ભાત આપું, કીકો લાવ મારી કને, જા તું બાપુ
હજી ઘેર આતા, નથી તુજ આવ્યા, ભૂખ્યા એ હશે, વાઢ-કામે થકાયા’


‘ભલે લાવ બા, જાઉં હું ભાત દેવા, દીઠા છે કદી તેં ઉગ્યા મોલ કેવા?
મીઠી કેળ-શી, શેલડી તો ખવાશે, દીઠી છે ટૂંકી વાટ, જલ્દી જવાશે’


કહી એમ માથે, લઈ ભાત ચાલી
મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી
(દોહરો)
વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ, ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ
ડુંગર ઝાડી ગીચમાં, કોડે કૂદતી જાય, સામો વાઢ ઝઝૂમતો, જોતાં તે હરખાય



હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત, એમ અધિક ઉતાવળી, દોડી મળવા તાત
બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ, થપાટ પાછળથી પડી બાળા થઈ બેહાલ


ભાત ઓઢણી તો રહ્યું, ઝરડામાં ઝકડાઈ, મીઠી બાળા મોતના, પંજામાં સપડાઈ
વાઘ ઉપાડી ક્યાં ગયો? કુદરતમાં કકળાટ, વૃક્ષ ઊભાં વીલાં બધાં સૂની બની સૌ વાટ


સાંજ વહી સૂનકારમાં, ઓઢીને અંધાર, રાત રડે છે રાનમાં, આંસુડે ચોધાર
પ્હોંચી ઘેર પાંચો કરે ‘મીઠી! મીઠી! સાદ: ’મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ’


પટલાણી આવી કહે: ‘મેલી છે મેં ભાત, મળી નથી તમને હજી? રોકાણી ક્યાં રાત?’
’મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ, કહાં ગોત કરવી હવે? ગઈ હશે પગવાટ !


બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ, ગયાં તુર્ત તે ગોતવા કરતાં કંઈ સંતાપ
નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કે મુખ, ઝાંખા સર્વે ઝાડવાં, દારૂણ જાણે દુ:ખ


’મીઠી ! મીઠી !’ પાડતાં બૂમ ઘણી માબાપ, જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ
પડતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ, તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ


ખાલી આ કોણે કરી?હશે સીમના શ્વાન? મીઠી કાં મેલી ગઈ?–બોલે નહિ કંઈ રાન
વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય, મીઠી કેરી ઓઢણી—પોકે પોકે રોય


’હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું ઝમે રુધિર !’ ઉત્તર એનો ના મળે: બધુંયે વિશ્વ બધિર
નિરાશ પાછાં એ વળ્યાં કરતાં અતિ કકળાટ, ’મીઠી! મીઠી!’ નામથી રડતાં આખી વાટ


વાઢ ગયો વેચાઈ ને વીતી ગઈ છે વાત



તો પણ દેખા દે કદી, મીઠી માથે ભાત


—વિઠ્ઠલરાય આવસત્થી

એકલો જાને રે

એકલો જાને રે


તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે
તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે

જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી
તારાં મનનું ગાણું એકલો ગાને રે
તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે

જો સૌએ પાછાં જાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય
ત્યારે કાંટા રાને તારે લોહી નીંગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે
તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે

જયારે દીવો ન ધરે કોઇ
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે
તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે


મૂળ કૃતિ રવીન્દ્રનાથ ટાગોરની

ગુજરાતીકરણ : મહાદેવભાઇ દેસાઈ

વરસાદ ભીંજવે

વરસાદ ભીંજવે


આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે


-રમેશ પારેખ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે


ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

કેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં
સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર ટેરવાં ભરી પીધાનું યાદ

ખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાં
એકલદોકલ સસલું દોડી જતું, પાંદડાં ખરતાં
સમળીના પડછાયા છૂટી ફાળ ઘાસમાં ભરતા
અમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે જિયલ ઝૂલા ઝૂલ્યાનું યાદ

ડાળ ઉપર એક ઠીબ, ઠીબથી બપોર ફંગોળાય
પાંખ વીંઝતું પાંખ વીંઝતું હવા જેવડું થાય
સવારપંખીનો પડછાયો ઠીબ વિશે તરડાય
ઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ

ગુજરાતી powered by Lipikaar.com


ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ


- રમેશ પારેખ

ભોમિયા વિના


ભોમિયા વિના


ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.


-ઉમાશંકર જોશી

ગ્રામ્યમાતા

ગ્રામ્ય માતા


(શાર્દૂલવિક્રીડિત)
ઊગે છે સુરખીભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એકે નથી વાદળી
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠા ગીતડાં

(માલિની)
મધુર સમય તેવે ખેતરે શેલડીના
રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે
કમલવત ગણીને બાલના ગાલ રાતા
રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે

(અનુષ્ટુપ)
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી
અહો કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે

(વસંતતિલકા)
ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં

(મંદાક્રાન્તા)
ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી
વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જૂએ છે
ને તેનો એ પ્રિય પતિ હજુ શાન્ત બેસી રહીને
જોતાં ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે

(અનુષ્ટુપ)
ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં
કૃષિક, એ ઊઠી ત્યારે 'આવો બાપુ !' કહી ઊભો

(શાર્દૂલવિક્રીડિત)
'લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને' બોલીને
અશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાએ જૂએ
'મીઠો છે રસ ભાઈ ! શેલડી તણો' એવું દયાથી કહી
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી

(વસંતતિલકા)
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા
છૂરી વતી જરીક કાતળી એક કાપી
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા
ને કૈંક વિચાર કરતો નર તે ગયો પી

(અનુષ્ટુપ)
'બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા'
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું

(મંદાક્રાન્તા)
કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની
એકે બિન્દુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
'શું કોપ્યો છે પ્રભુ મુજ પરે !' આંખમાં આંશુ લાવી
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં

(અનુષ્ટુપ)
'રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ
નહિ તો ના બને આવું' બોલી માતા ફરી રડી

(વસંતતિલકા)
એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે:
'એ હું જ છું નૃપ, મને કર માફ! બાઈ!
એ હું જ છું નૃપ,મને કર માફ!ઈશ !'

(શાર્દૂલવિક્રીડિત)
પીતો'તો રસ મિષ્ટ હું પ્રભુ! અરે ત્યારે જ ધાર્યું હતું
આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં
છે તો યે મુજ ભાગ કૈં નહીંસમો, તે હું વધારું હવે
શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની,પાસેથી લેવું નહીં ?

(ઉપજાતિ)
રસ હવે દે ભરી પાત્ર બાઈ! પ્રભુ કૃપાએ નકી એ ભરાશે
સુખી રહે બાઈ! સુખી રહો સૌ, તમારી તો આશિષ માત્ર માગું !

(વસંતતિલકા)
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા
છૂરી વતી જરી જ કાતળી એક કાપી
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા
બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું !

-કલાપી

દુહા . . . . .

ઊંચો  ગઢ   ગિરનાર,  વાદળથી વાતું  કરે
મરતા રા'ખેંગાર, ખરેડી ખાંગો કાં ન થયો
મા પડ મારા આધાર, ચોસલાં કોણ ચડાવશે
ગયા ચડાવણહાર, જીવતા જાતર આવશે

અડી કડી વાવ ને નવઘણ કૂવો
જેણે ન જોયા તે જીવતો મૂઓ

શિયાળે સોરઠ ભલો,  ઉનાળે ગુજરાત
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ


કચ્છડો ખેંલે ખલકમેં, મહાસાગરમેં મચ્છ
જિન હકડો કચ્છી વસે, ઉન ડિયાણી કચ્છ


જનની જણ તો ભક્તજન, કાં દાતા કાં શૂર
નહિ તો રહેજે વાંઝણી, રખે ગુમાવે નૂર


જોઈ વહોરિયે જાત, મરતાં લગ મેલે નહિ
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ


નહીં આદર, નહીં આવકાર, નહીં નૈનોમાં નેહ
ન એવા ઘેર કદી જવું, ભલે કંચન વરસે મેઘ


દળ ફરે, વાદળ ફરે, ફરે નદીનાં પૂર
પણ શૂરા બોલ્યા નવ ફરે, પશ્વિમ ઊગે સૂર


રાતે જે વહેલા સૂઈ વહેલા ઊઠે તે નર વીર
બળ, બુદ્ધિ, ને ધન વધે, સુખમાં રહે શરીર


દીઠે કરડે કુતરો, પીઠે કરડે વાઘ
વિશ્વાસે કરડે વાણિયો, દબાયો કરડે નાગ

નામ રહંતા ઠક્કરાં, નાણાં નવ રહંત
કીર્તિ કેરા કોટડાં, પાડ્યા નવ પડંત


જાનમાં કોઈ જાણે નહિ કે હું વરની ફુઈ
ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મૂઈ


કરતાં સોબત શ્વાનની બે બાજુનું દુ:ખ
ખિજ્યું કરડે પિંડીએ રિઝ્યું ચાટે મુખ


કેટલાક ગુજરાતી ગીતો . . . . .

તારી બાંકી રે પાઘલડીનું

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું

તારા અંગનું રે અંગરખુ તમતમતું રે
તારા પગનું રે પગરખું ચમચમતું રે
મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું
પારકો જાણીને તને ઝાઝું શું બોલવું
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું
તને છેટો રે ભાળીને મન ભમતું રે

આ તો કહું છું રે પાતળીયા, તને અમથું
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું

હાથમાં ઝાલી ડાંગ કડિયાળી
હરિયાળો ડુંગરો આવતો રે હાલી
લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી
શરમ મૂકીને તોયે થાઉં શરમાળી
તારા રૂપનું તે ફૂલ મઘમઘતું રે, મને ગમતું રે

આ તો કહું છું રે પાતળીયા, તને અમથું
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું

કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું
એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું
ઘરમાં, ખેતરમાં કે ધરતીના થરમાં
તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું
ઘાયલને શું થાય છે પૂછો તો ખરા 

ઘાયલને શું થાય છે પૂછો તો ખરા
ઘાયલને શું થાય છે પૂછો તો ખરા

આંખ મિલાવી આંખ કાં સંતાય છે
પૂછો તો ખરા
ઘાયલને શું થાય છે પૂછો તો ખરા

પ્રેમનો અંજામ પણ આવો હશે નો'તી ખબર
પ્રેમનો અંજામ પણ આવો હશે નો'તી ખબર
દિલ દઈ દિલદાર પણ છોડી જશે
નો'તી ખબર
આંખે આવી શમણાં કાં વિખરાય છે
પૂછો તો ખરા

ઘાયલને શું થાય છે પૂછો તો ખરા
ઘાયલને શું થાય છે પૂછો તો ખરા

દિલ છે તારી પાસ ને હું દૂર છું કોને કહું
દિલ છે તારી પાસ ને હું દૂર છું કોને કહું
આંધીમાં અટવાયો હું મજબૂર છું
કોને કહું
ગુનો નથી પણ સજા મને કાં થાય છે
પૂછો તો ખરા

ઘાયલને શું થાય છે પૂછો તો ખરા

મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી'તી
મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી'તી
આશાના દીવડાં પ્રગટાવી ચરણે ફૂલો ધરતી'તી
એ અણમોલાં ફૂલો કાં કરમાય છે પૂછો તો ખરા

ઘાયલને શું થાય છે પૂછો તો ખરા

આજનો ચાંદલિયો મને લાગે

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

તારા રે નામનો છેડ્યો એક તારો
હું તારી મીરા તુ ગિરધર મારો
આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

આપણે બે અણજાણ્યા પરદેશી પંખી
આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી
જોજે વીખાય નહીં શમણાનો માળો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

દો રંગી દુનિયાની કેડી કાંટાળી
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ

બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ

દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ

પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલાં હો પીજો કસુંબીનો રંગ
દોરંગા દેખીને ડરિયાં ટેકીલાં હો લેજો કસુંબીનો રંગ

મને યાદ ફરી ફરી આવે

મને યાદ ફરી ફરી આવે
મારા અંતરને રડાવે
મને યાદ ફરી ફરી આવે
મારા અંતરને રડાવે

જીવન વીણા તાર બસૂરા
રાગો મારા રહ્યાં અધૂરા
જીવન વીણા તાર બસૂરા
રાગો મારા રહ્યાં અધૂરા
મારા જીવનમાં આવી ને
શાને ગઈ તું ચાલી રે
મને યાદ ફરી ફરી આવે
મારા અંતરને રડાવે

આ ધડકતી છાતી ઉપર
સુગંધ તારા શિરની રે
આ ધડકતી છાતી ઉપર
સુગંધ તારા શિરની રે
શ્યામ કેશના ગુંછડા મારા
આંગળ માંહી રમતા રે

મને યાદ ફરી ફરી આવે
મારા અંતરને રડાવે

તારી મસ્તી ભરેલી છટાઓ
મદભર નૈન અનૂપ અદાઓ
રસભરી ચાલ મલકતું મુખડું
ભૂલાય નહિ એ ભાવો રે

મને યાદ ફરી ફરી આવે
મારા અંતરને રડાવે

પરિચય છે મંદિરમાં દેવોને મારો

પરિચય છે મંદિરમાં દેવોને મારો
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે
નથી મારું વ્યક્તિત્વ છાનું જ કોઈથી
તમારા પ્રતાપે બધાં ઓળખે છે

સુરાને ખબર છે પિછાણે છે પ્યાલી
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે
ન કર ડોળ સાકી અજાણ્યા થવાનો
મને તારું સૌ મયકદા ઓળખે છે

પ્રણય જ્યોત કાયમ છે મારા જ દમથી
મેં હોમી નથી જિંદગી કાંઈ અમથી
સભાને ભલે હોય ન કોઈ ગતાગમ
મને ગર્વ એ છે કે શમા ઓળખે છે

મેં લો’યાં છે પાલવથી ધરતીનાં આંસુ
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું
ઊડી ગઈ છે નીંદર ગગન-સર્જકોની
મને જ્યારથી તારલાં ઓળખે છે

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે
મળી છે અમોને જગા મોતીઓમાં
તમોને ફક્ત બદબુદા ઓળખે છે

તબીબોને કહી દો કે માથું ન મારે
દરદ સાથે સીધો પરિચય છે મારો
હકીકતમાં હું એવો છું રોગી જેને
બહુ સારી પેઠે દવા ઓળખે છે

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યાં છે
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો
છું ધીરજનો મેરુ ખબર છે વફાને

યશગાથા ગુજરાતની

આજ બાપુની પુણ્યભૂમિ પર ઊગ્યું સ્વર્ણ પ્રભાત
જય ગુજરાત… જય જય જય ગરવી ગુજરાત

જય સોમનાથ, જય દ્વારકેશ
જય બોલો વિશ્વના તાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની
જય જય ગરવી ગુજરાતની

ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિ
વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈંયો વીસરાય નહિ
જય દત્ત દિગંબર ગિરનારી
જય દત્ત દિગંબર ગિરનારી
જય બોલો કાળીકા માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની

યશગાથા ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની
જય જય ગરવી ગુજરાતની

અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર
રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
જય દયાનંદ, જય પ્રેમાનંદ
જય દયાનંદ, જય પ્રેમાનંદ
જય બોલો બહુચરા માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની

યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની
જય જય ગરવી ગુજરાતની

દલપત નાન્હાલાલ દયાના મધુર કાવ્ય ભુલાય નહિ
મેઘાણીની શૌર્ય કથાઓ અંતરથી વીસરાય નહિ
અમર કાવ્ય નર્મદના ગુંજે
અમર કાવ્ય નર્મદના ગુંજે
જય જય અંબે માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની

યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની
જય જય ગરવી ગુજરાતની

મળ્યા તેલ ભંડાર દ્રવ્યના, ભીષ્મપિતાની બલિહારી
ધન્ય ધન્ય ગુજરાતની ધરતી, થયા અહીં બહુ અવતારી
જય સાબરમતી
જય મહી ગોમતી સરસ્વતી
જય તાપી ગોમતી સરસ્વતી
જય બોલો નર્મદા માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ, યશગાથા ગુજરાતની

યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની
જય જય ગરવી ગુજરાતની

હિંદુ મુસ્લિમ વોરા પારસી હળીમળી સૌ કાર્ય કરે
સૃષ્ટિને ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપાર કરે
જય સહજાનંદ, જય જલારામ
જય સહજાનંદ, જય જલારામ
જય મહાવીર દાતારની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની

યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની
જય જય ગરવી ગુજરાતની

અમર ભક્ત બોડાણો, કલાપી, મહાદેવ દેસાઈ
દાદા, તૈયબજી, કસ્તુરબા, પટેલ વિઠ્ઠલભાઈ
આજ અંજલિ અર્પો...
આજ અંજલિ અમર શહીદોને અર્પો ગુજરાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની

યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની
જય જય ગરવી ગુજરાતની

શ્રમ પર શ્રમ કરનારા માનવની આ ધરતી ન્યારી
સત્ય, શાંતિ અને અહિંસાના મંત્રો દેનારી
શ્રમ સેવાની કરો પ્રતિજ્ઞા...
શ્રમ સેવાની કરો પ્રતિજ્ઞા ઊગી ઉષા વિરાટની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની

યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની
જય જય ગરવી ગુજરાતની

આ ગુણવંતી ગુજરાતની...


જય જય ગરવી ગુજરાતની...

દયાનો છું સાગર ક્ષમા ઓળખે છે

મને યાદ ફરી ફરી આવે


રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, લાગ્યો કસુંબીનો રંગ

કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

ઘાયલને શું થાય છે પૂછો તો ખરા



Thursday, July 9, 2009

મારું પ્રિય લોકગીત,

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
કે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,
કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo

ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
કે ભીંજાય મેડીની બેસતલ રાણી
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo

ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે
કે ભીંજાય બારીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo

ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો રે
ભીંજાય પાતળિયો અસવાર
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo

તમને વા’લી દરબારી ચાકરી રે,
કે અમને વા’લો તમારો જીવ
ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે ! – આભમાંo

પ્રસ્તુત લોકગીતમાં દરબારની ચાકરીને વહાલી ગણતા વહાલમને નોકરીએ ન જવા દેવા માટે લાખ-લાખ વાનાં કાઢતી નવોઢાના મનોભાવોનું ચિત્રણ અદભુત રીતે થયું છે. એક પછી એક અસબાબને વરસાદમાં ભીંજાતો બતાવી અંતે નાજુક તબિયતનો પાતળિયો અસવાર ભીંજાય તો એના જીવને નાહક જોખમ થાય એમ બહાનું બતાવી છેલ્લે સુધી ‘કેમ કરી જાશો ‘નો ઉપાલંભ કરતી અર્ધાંગિની ‘નહીં જાવા દઉં ‘નો રોકડો રૂપિયો ખણખણાવે છે ત્યારે લોકગીતની મીઠાશ હૈયામાં અંકાઈ જાય છે…