Monday, August 24, 2015

ગઝલ-એ-સ્ટોરી

છેવટે આ રીતથી ખુદને જ સમજાવી દઈશ,
હું મને તારી પ્રતીક્ષામાં જ વિતાવી દઈશ.
સાચ્ચું પડવું હોય તો તું આવજે નહિતર નહીં,
સ્વપ્નને  મોઢા ઉપર ચોખ્ખું જ પરખાવી દઈશ.
જિંદગીના કાયમી અંધારની આ વાત છે,
બલ્બ કૈં થોડો જ છે કે તર્ત બદલાવી દઈશ ?
તું પવન છે તો અમારે શું ? અમે તો આ ઊભા,
આવ જો મેદાનમાં, ક્ષણમાં જ હંફાવી દઈશ.
તું તને ખુદનેય શોધી ના શકે એ રીતથી,
હું તને મારી કવિતાઓમાં છુપાવી દઈશ.

- અનિલ ચાવડા


"તું મારી વાત સમજ ધ્યાન !, કરી શકે તો તારી જાત ને મારા સ્થાન પર મૂકી ને જો. આપણે એવા સમાજ અને કૌટુંબિક બંધનો માં જીવીએ છીએ કે જ્યાં દીકરીનું લગ્ન એક હિમાલય જેવડી સમસ્યા છે અને તે પણ યોગ્ય ઉમ્મર નાં ટાર્ગેટ સાથે. તારી ને મારી ઉંમર સરખી છે, પણ એક દીકરી તરીકે હાલ મારું પરણવું જરુરી છે કુટુંબ અને મારા સારા ભવિષ્ય માટે, જ્યારે તું છોકરો છે, તારી ઉંમર લગ્ન કરવા જેટલી નહી પણ હજુ વ્યવસ્થિત આવક રળી આપતા કામ ધંધા કે નોકરી શોધવાની છે. તું એક પુરુષ થઇ ને મન ચાહી પ્રવૃત્તિઓ અજમાવી શકે છે પણ એક સ્ત્રી તરીકે હાલ મારું એક અને એક માત્ર ધ્યેય છોકરો પસંદ કરીને લગ્ન કરવાનું છે."  અસ્મિતા બોલતી રહી અને ધ્યાન તો અસ્મિતા માં જાણે ધ્યાનમગ્ન થઇ રહ્યો હતો! વાહ ! શું છટા છે બોલવાની, એવું થાય કે જાણે રૂમાલ પાથરી ને એના મુખારવિંદ માંથી ઝરતા ફૂલો વીણી લઉં ! અસ્મિતા શું બોલી એનું ભાન ધ્યાન ને રહ્યું જ નહિ. તે છતાં તેણે અસ્મિતા ને કહ્યું, "તું એવું ઈચ્છે છે કે હું સમાજ સામે બંડ પોકારવાની વાત કરું અને પછી તું મને સમજાવે એટલે હું માની જાઉં, અને આપણે છુટા પડીએ? ડીયર આપણે પહેલે થી જ નક્કી કર્યું હતુંકે બન્ને નાં ફેમીલી ની સંમતી હોય તો જ લગ્ન કરીશું, અને આમ પણ તારા ફેમીલી ની વાત એમની રીતે બરાબર સાચી છે, જો મારી કોઈ સગ્ગી બહેન હોત તો હું પણ તેના માટે આમજ વિચારત. હવે જો તેમના મતે આ સમયે હું તારા માટે યોગ્ય મુરતિયો નથી તો આપણે લગ્નની જીદ તો નાં જ કરાય, સમય સમય ની વાત છે અસ્મિતા, અને તને હું મારા યોગ્ય થવા નાં સમય સુધી રાહ તો નાં જ જોવડાવી શકું! જા ડીયર આજથી તું અને હું છુટ્ટા !"અસ્મિતા ની આંખો ભીની હતી, પણ ધ્યાન તો એની આંખો સામે જોઈ રહ્યો ! અસ્મિતા બોલી, " ધ્યાન મને વચન આપ કે તું પણ યોગ્ય સમયે પરણી જઈશ." ધ્યાને તેનીઆંખો આમે નજર હટાવ્યા વગર જ જવાબ આપ્યો, "ડીયર, એવું નાં માગ જે મારા હાથ માં નથી. આ તો બધી સમય સમય ની વાત છે.".  માહોલ એવો બની ગયો  કે જાણે રીવરફ્રન્ટ ની આખી લેન, બધી જ સોડીયમ લાઈટો અને સાબરમતી નું હિલોળા લેતું પાણી પણ  તેની દિલેરી પર તાળીઓ વરસાવી રહ્યા. માત્ર આમને જ ખબર છે અસ્મિતા નો અર્થ ધ્યાન નાં જીવન માં ! અસ્મિતા ભારે હૈયે ઉઠી અને ગઈ પણ  ધ્યાન નું મન તો તેણે આજેજ વાંચેલી શ્રી અનીલ ચાવડા ની ગઝલ ગણગણી રહ્યું હતું,


છેવટે આ રીતથી ખુદને જ સમજાવી દઈશ,
હું મને તારી પ્રતીક્ષામાં જ વિતાવી દઈશ.


પ્રિય પાત્ર મળવાનું સુખ હોય તો પ્રિય પાત્ર થી વિખુટા પડવાનું દુ: હોવું જોઈએ? પણ નાં, હું ક્યાં અસ્મિતા થી અલગ થાઉં છું? એક્ચ્યુઅલી હું થઇ શકું તેમ નથી ! અસ્મિતા મારા દરેક વિચારોમાં,મારા દરેક શ્વાસોમાં છે. ધ્યાન વિચારી રહ્યો રીવરફ્રન્ટ પર બેઠો બેઠો. અસ્મિતા નાં ગયા પછી લગભગ કલાકે ત્યાંથી ઉભો થયો. ધ્યાન એક અલગ જીવડો. શિક્ષક માતા પિતાનો એક નો એક દીકરો. પહેલેથી જપુસ્તકો અને સાહિત્ય જાણે ગળથુથી માં મળ્યા, માધ્યમિક સ્કુલ સુધી માં તો તેણે ગુજરાતી સાહિત્યની લગભગ તમામ નીવડેલી કૃતિઓ વાંચી લીધી હતી.પન્નાલાલ અને ધૂમકેતુ તેનાં આદર્શ. સાહિત્ય સિવાય પણ તે ગણું બધું વાંચતો, વિજ્ઞાન, ઇતિહાસ, વૈશ્વિક રાજકારણ તેના ગમતા વિષયો. રસિક જીવડા ને પ્રેમ નાં થાય એવું બને? અગિયારમાં ધોરણ માં અસ્મિતાએ તેની સ્કુલ માં પ્રવેશ લીધો, શાળા નાં પહેલા દિવસેક્લાસ ટીચરે નવા વિદ્યાર્થી ઓને પોતાની ઓળખપરેડ કરાવી, અને અસ્મિતા ઉભી થતાજ ક્લાસ નાં બધા છોકરાઓ અવાચક, આપણો ધ્યાન પણ! સફેદ ખાદીના સ્કુલ ડ્રેસમાં અસ્મિતા જાણે આઉટ ઓફ વર્લ્ડ બ્યુટી લાગતી હતી! અસ્મિતા ઓળખ આપ્યા પછી ક્લાસ ટીચરે અસ્મિતા વિષે કહ્યું, "મિત્રો, અસ્મિતા ખૂબ સુંદર ગાયિકા છે અને ગાયન માં તેને ઘણા એવોર્ડ મળેલા છે", અને તેમની વિનંતીને માન આપી અસ્મિતાએ ક્લાસ વચ્ચે ગઝ્લ શરુ કરીતુમકો દેખા તો યે ખયાલ આયા, જીન્દગી ધૂપ તુમ ઘના સાયા . . . . .  સાંભળતાજ ધ્યાન અસ્મિતા માં ખોવાઈ ગયો ! ધ્યાન પણ દેખાવે  કંઈ ઓછો આકર્ષક નહોતો,અને વળી પાછી તેની બોલવાની છટા, નાટકો અને અન્ય ઈતર પ્રવૃત્તિ માં તેની લીડરશીપ બધા ગુણોએ અસ્મિતાને પણ ધ્યાન પ્રત્યે આકર્ષી અને જેના ફ્લસ્વરૂપ બંનેની દોસ્તી આખી સ્કુલમાં ચર્ચાનું કેન્દ્ર બની. બંને નું બાર આર્ટસ નું રીઝલ્ટ આવતા પહેલાજ તેમની દોસ્તી રીઝલ્ટ આપી દીધું તેમના પ્રેમના એકરાર સ્વરૂપે. ધ્યાને નજીક નાં ટાઉનમાં પીટીસી માં એડમિશન લીધું જ્યારે અસ્મિતા બી.. જોઇન્ટ કર્યું. બંને રેગ્યુલર મળતા રહ્યા. અસ્મિતા ધ્યાન માટે જાણે જીવન નો પર્યાય બની ગઈ હતી, તે બોલતી ત્યારે ધ્યાન માત્ર તેને બોલતી જોઈ રહેતો. ધ્યાન નાં સ્વપ્નાઓ અલગ હતા, કંઇક ઊંચા સપના હતા, તેને તો મેઘધનુષ્ય નાં રંગો માં રંગાવું હતું, તેને તો વાદળો ની આંખ માં મેશ આંજવી હતી, તેને તો રણ નાં મૃગજળમાં નહાવું હતું, કંઇક એવું કરવું કે જે તેનું દિલ કહે. તેની આવી વાતો સાંભળી અસ્મિતા તેની મજાક ઉડાવતી
અને કહેતી કે "આવા સપના તે કાંઈ સાચા થતા હશે?"  પણ ધ્યાન ને તો જુનુન હતું તેના સ્વપ્નાઓ માટે, અને તેની વિશ્વાસથી ભરપુર આંખો જાણે કહી રહી હતી :


સાચ્ચું પડવું હોય તો તું આવજે નહિતર નહીં,
સ્વપ્નને  મોઢા ઉપર ચોખ્ખું જ પરખાવી દઈશ.


ધ્યાને પીટીસી પૂરું કર્યું પણ એ વર્ષે પ્રાથમિક શિક્ષકોની ભરતી થઇ નહિ, તેથી તેણે અમદાવાદ ની જ એક કોલેજમાં બી.એ. જોઇન્ટ કર્યું. તે દરમ્યાન તે ઘણા સાહિત્યકારો નાં સમ્પર્ક માં આવ્યો, મુશાયરાઓ માં જવાલાગ્યો. મુશાયરાઓ માં નવી ગઝલો સાંભળતો ત્યારે જાણે અસ્મિતા માં તે ખોવાઈ જતો, દરેક ગમતી જગ્યાએ તેને અસ્મિતા જાણે વિચાર સ્વરૂપે હાજર લાગતી. કોલેજ માં તેને લગભગતેના જેવા જ બે મિત્રો મળ્યા, અને ત્રણેયની ટોળકી બની. બી.એ. પૂરું કરીને ત્રણેયે ભેગા મળી ગુજરાતી સાહિત્ય ની એક વેબ સાઈટ બનાવી, www.gujaratiasmita.com, મુખ્ય ધ્યેય હતો આજના ડીજીટલ યુગમાં ગુજરાતી સાહીત્યને પણ ડીજીટાઈઝ કરવાનો. તેમાં તેમની મોટા ભાગની ખિસ્સા ખર્ચી વપરાઈ જતી, અને મુખ્ય કામ હતું ડેટા એન્ટ્રી અને ક્નટેન્ટ રાઈટિંગ, અને હા કોપી રાઈટ નો પ્રશ્ન તો ઉભોજ. આટલા પડકારો પાર કર્યા પછી પણ વાચકો કેટલા ? તેમનો આ વિચાર મોટાભાગના લોકોને ગમ્યો નહી, ઘણા સામે કહી દેતા કે માનો છો તેટલો પ્રતિભાવ મળશે નહિ, આની કોઈ જરુંર જ નથી, આજે ગુજરાતી સાહિત્ય વાંચનારા કેટલા? એવી ઘણી કમેન્ટ્સ સાંભળવી પડતી, તો ઘણા એની પીઠ પાછળ કહેતા કે જવાની નો જોશ છે ભાઈને, પૈસા ખૂટી જવાદો એટલે ખબર!, સાહિત્યકારો તરફથી પણ સપોર્ટ નાં મળ્યો, તેમના મતે આમાં મજા નહોતી તેમને તો બસ રચનાઓ લખીને છુટા થઇ જવું હતું. પણ ધ્યાન ની આંખો માં વિઝન હતું. તેને ખબર હતી કે આવનારો યુગ ડીજીટાઈઝેશન  નો છે, તેના વગર આપણું અનમોલ ગુજરાતી સાહિત્ય ખોવાઈ જશે અને આવનારી પેઢી ને તેનો સ્વાદ ચાખવા નહિ મલે. માતા પિતા એ સલાહ આપી કે "આ બધું છોડ બેટા , કંઇક નોકરી જેવું શોધ, અને લગ્ન કરીલે, પછી કરજે જે જ્રવું હોય તે."પણ ધ્યાન ને તો લગની લાગી હતી, અને તેને લાગતું કે એકવાર લગ્ન , સંસાર અને બાળકો ની જવાબદારી આવી તો મારા સપના ઓ નું શું? તેને આ પ્રોજેકટ માં જાણે તેના સ્વપ્નો પુરા થતા જણાતા. મોટા ભાગ નુંકામ તેમણે જાતે જ ઉપાડી લીધું. રાતો ની રાતો જાગીને એક પછી એક કૃતિઓ યુનીકોડમાં ડીજીટાઇઝ થવા માંડી. પણ હજુ કોઈ પણ પ્રકારની આવક તેઓ ઉભી કરી શક્યા નહી, પણ ધ્યાન ને અને તેના મિત્રો ને ખબર હતી કે મંઝીલ દુર છે પણ માર્ગ નીશ્ચિત છે.


જિંદગીના કાયમી અંધારની આ વાત છે,
બલ્બ કૈં થોડો જ છે કે તર્ત બદલાવી દઈશ ?


આ તરફ અસ્મિતા ને ઘરે થી દબાણ આવવા  લાગ્યું લગ્ન માટે, તેના માતા પિતા ને તેના અને ધ્યાન નાં પ્રેમ વિષે આંશિક ખબર હતી, અને ધ્યાન વિષે તેમનું મંતવ્ય એજ હતું કે તે ઘણો સારો અને સંસ્કારી છોકરો છે પણ કશું કમાતો નથી! જોકે અસ્મિતા જોડે આ વિષે વિસ્તૃત ચર્ચા થઇ ન હતી, અને અસ્મિતા પણ ઉંમરે પરિપક્વ થવાના લીધે જાણતી કે ધ્યાન માટે તેમની હા તો  આવશે જ નહી. અને હા , અત્યાર સુધીના તેના સાનિધ્ય થી એટલી તો ખબર જ હતી કે ધ્યાન ક્યારેય માતા પિતા ની મરજી વિરુદ્ધ લગ્ન કરવા રાજી નહિ થાય. તો હવે શું કરવું? ધ્યાન ને મળવું પડશે અને આખી વાત માંડી ને કરવી પડશે.  તે મળવા આવી તેમના કાયમના મિલન સ્થળ - રીવરફ્રન્ટ પર.

ધ્યાન સરળતાથી સમજી ગયો એ બદલ દિલ માં થોડી શાંતિ ની લાગણી અસ્મિતા અનુભવી રહી. તેણે બીજે લગ્ન કરી લીધા.

પ્રાથમિક શિક્ષકોની ભરતી પર સ્ટે આવવા લાગ્યા અને ધ્યાન ની સરકારી નોકરી તેનાથી દુર થતી ગઈ. છેવટે તેણે એક પ્રાઈવેટ સ્કુલ માં નોકરી સ્વીકારી અઢી હજાર રૂપિયા મહિને. આ બધું છતાં પણ સાહિત્ય તરફનો તેનો પ્રેમ ઓછો નાં થયો, ઉલટો વધવા લાગ્યો. શની રવી એ લાઈબ્રેરી, સાહિત્ય સ્મેલન, ગોષ્ઠીઓ માં જવા લાગ્યો. થોડું ઘણું એ લખતો પણ થયો અને ક્યારેક કોઈ છાપા માં છપાઈ પણ જતું પણ મોટેભાગે વિનામુલ્યે કે સાવ નજીવા વળતરે. રાત્રે એ વેબસાઈટ મેન્ટેન કરવામાં લાગી જતો. ધીરે ધીરે તેની વેબસાઈટ નાં ફોલોઅર્સ વધવા લાગ્યા પણ હજુ કોઈ જગ્યાએ થી નક્કર રિસ્પોન્સ નહોતો મળ્યો.

અને અચાનક એક દિવસ ફોન આવ્યો.

મહેન્દ્ર પટેલ એમનું નામ, વર્ષોથી ન્યુયોર્કમાં સ્થાઈ થયેલા, ઘણી મોટેલો, રેસ્ટોરન્ટના એ માલિક, છેલ્લા ત્રણ મહિના થી નિવૃત્તિ લઈને આરામ ફરમાવે છે, પણ મન એમનું કંઇક કરવા થનગને છે. બગીચામાં બેઠા બેઠા ગુગલ માં સર્ચ કર્યું, "ગુજરાતી વાર્તા", અને ગુગલે  દસ લીંક આપી જવાબમાં. પાંચમી લીંક પર એમની નજર પડી, વર્લ્ડ બેસ્ટ સ્ટોરીઝ ઇન ગુજરાતી, તરતજ ક્લિક કરી અને બીજી ટેબ માં ખુલી www.gujaratiasmita.com, સીધી શ્રી ઈશ્વર પેટલીકર ની વાર્તા "લોહીની સગાઈ" પર.  વાર્તા વાંચવાની શરુ કરી અને સહેજ પણ રોકાયા વગર આખી પૂરી કરી, ટેબલ પર પડેલી ચા પણ પીવાનુંભૂલી ગયા. મહેન્દ્રભાઈ થોડી મીનીટો માટે સ્તબ્ધ બની ગયા, કેટલી સુંદર વાર્તા, સંબધો ની નાજુકતા નું આટલું સરસ વર્ણન અને અભિવ્યક્તિ કેટલી સહજ રીતે લેખકે કરી છે !!! કદાચ આ વાર્તા હું ભણી ગયો છું નીશાળ માંપણ અત્યારે થાય છે કે જો હું આ વાર્તા વાંચી ને તે સમયે રડ્યો નહોતો તો ત્યારે હું માનવી નહોતો ! કોણ ચલાવે છે આ વેબસાઈટ? તરતજ કોન્ટેક્ટ માં જોયું અને નામ નંબર નોધી લીધા. તેમણે ફોન કર્યો સીધો, " હેલ્લો મી. ધ્યાન, તમારી વેબસાઈટ મેં જોઈ અને મને ખુબ જ ગમી છે, હું તમારા કામ માટે તમને ડોનેશન આપવા માંગુ છું. પ્લીઝ મને તમારા પ્રોજેકટ ની ડીટેઈલ મોકલો, અને હા, ફ્યુચર પ્લાન વિષે પણ લખજો અને આ બધા માટે કેટલો અંદાજીત ખર્ચ થશે તે પણ જણાવજો, હું જોઉં છું કે હું તમને શું મદદ કરી શકું છું." ધ્યાને તેના મિત્રો ને વાત કરી, અને જાણે આત્મવિશ્વાસ થી દુનિયા ને કહી રહ્યો:

તું પવન છે તો અમારે શું ? અમે તો આ ઊભા,
આવ જો મેદાનમાં, ક્ષણમાં જ હંફાવી દઈશ.


બીજા દિવસે ધ્યાને મહેન્દ્ર ભાઈ ને ઈ મેઈલ થી સમ્પૂર્ણ માહિતી આપી. મહેન્દ્ર ભાઈ એ તેમના અમેરિકન ગુજરાતી સંગઠન માં વાત રજુ કરી, "આપણે અમુક તમુક સાહિત્ય પરિષદો ને દર વર્ષે ડોનેશન આપીને સેવા કર્યાનો સંતોષ લઈએ તેમાં ગુજરાતી ભાષાની સેવા તો થઇ રહી. હું ઈચ્છું છુ કે આ ડોનેશન ખરેખર આ દિશા માં કાર્ય કરતા લોકો સુધી પહોંચવું જોઈએ." અને તેમણે ધ્યાન ની વેબસાઈટ ત્યાં બતાવી અને તેમની વાત થી બધા સંમત થયા. છેવટે મહેન્દ્ર ભાઈએ કહ્યું, "હું માત્ર ડોનેશન આપીને છટકી જવા માંગતો નથી, પણ હું પોતે રૂબરૂ અમદાવાદ જઈને આ છોકરા સાથે કામ કરવા માંગું છું."

મહેન્દ્રભાઈ અમદાવાદ આવ્યા. ધ્યાન ને મળ્યા અને ધ્યાન અને તેના મિત્રો નો પગાર નક્કી કર્યો, તેની વેબસાઈટ ખરીદી અને વળતર રૂપે ઘણા રૂપિયા આપ્યા. ઓફીસ રાખીસ્ટાફ રાખ્યો, મીડિયા અને સમાચારો માં તેનું માર્કેટિંગ કરાવ્યું. કોઈએ  ગુજરાતી સાહિત્ય ની વેબસાઈટ ને ખરીદી હોય તેવો આ પ્રથમ બનાવ હતો તેથી આ સમાચાર ને મીડિયા એ પણ ઘણું કવરેજ આપ્યું, પરિણામ સ્વરૂપે ધ્યાન હવે ટોક ઓફ થે ટાઉન થઇ ગયો. અખબારો તેના લેખો અને કવિતા ઓ સામેથી ઉંચી રકમ આપી ને માંગવા લાગ્યા. આ બધા ની વચ્ચે પણ ધ્યાન ને અસ્મિતા માટે ની લાગણી એવીજ રહી. દરેક વખતે તેને અસ્મિતા યાદ આવતી, ઇન ફેકટ તેની દરેક રચનાઓ માં પણ જાણે અજાણ્યે અસ્મિતા આવી જતી, અને તેની ગઝલો માં તે અસ્મિતા ને અચૂકથી સંબોધતો.

તું તને ખુદનેય શોધી ના શકે એ રીતથી,
હું તને મારી કવિતાઓમાં છુપાવી દઈશ.


જગદીશ પંડ્યા
ઈમેલ  - jagdishpandya@yahoo.com