Tuesday, August 18, 2015

ગઝલ-એ-સ્ટોરી

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?
હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?
હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?
આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?
તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?
-આદિલ મન્સૂરી

માનસ મરીનડ્રાઈવ ની પાળ પર બેઠો, દુર દેખાતા એલીફન્ટા ના દ્વીપ સામે તાકી રહ્યો. અચાનક જ ખ્યાલ આવ્યો અને એહસાસ પણ થયો કે નવરાશ નો પણ કોઈ અવકાશ હોય છે. આજે શનિવાર હતો અને છ મહિના ની મુંબઈ ની એની કોલસેન્ટરની જોબ માંથી પહેલી વાર સેકન્ડ હાફ ની રજા ભોગવવા મળી કારણકે આજે અમદાવાદ મમ્મીને મળવા ગયો ન હતો, બાકી તો એ રજા મળતા જ અમદાવાદ પહોચી જતો. વહેતી હવા નો અનુભવ પણ કેટલો આહલાદક હોય છે, અને એમાંય આતો તેનું ડ્રીમ સીટી, મુંબઈ. એક સેલ્ફી લેવાનો વિચાર આવ્યો અને ખીસા માંથી આઈફોન બહાર કાઢ્યો, પણ ફોક્સ સેટ કરતાજ તેના કાને અવાજ અથડાયો, "કિંજલ! કિંજલ! દોડ નહિ બેટા !" આઈફોન ક્લિક કર્યા વગરજ માનસ અવાજ ની દિશા માં પાછળ જોવા લાગ્યો, એક બહેન એમની નાની દીકરી ની પાછળ ભાગી રહ્યા હતા જે મસ્તીથી મરીન ડ્રાઈવ ના ફૂટપાથ પર દોડ્યે જતી હતી. માનસે ફોટો ક્લિક કર્યા વગરજ ફોન ખિસ્સા માં પાછો મૂકી દીધો, કંઇક બબડવા લાગ્યો, જાણે પોતે પોતાના મન ને ટપારી રહ્યો, "તારી કિંજલ નથી આ ! કિંજલ તો અહીં મુંબઈ માં ક્યાં?". પાછો એ સાગર ને માણવા દુર સુધી જોઈ રહ્યો, પણ મન એનું કિંજલ નામ પડતાજ જાણે કહેવા લાગ્યું દુર બેઠી એ પણ શું મને આમજ ક્યારેક યાદ કરતી હશે? શું કામ મને યાદ કરે, એનો પોતાનો સંસાર છે હવે તો. ખુશ જ હશે તેના પતિ સાથે. ના, ગમે તે હોય પણ મને એ યાદ કરતી જ હશે, આમજ ક્યારેક "માનસ" નામ આગળ આવતાજ હું એને ચોક્કસ યાદ આવતો હોઈશ. માનસ નું મન અત્યારે આદીલ સાહેબની ગઝલ નાં મત્લા ને જાણે રૂબરૂ કરી રહ્યું હતું:

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

એટલામાં તાજ માં રોયલ ડ્રીંક લેવા ગયેલા તેના ઓફીસ મિત્રો આવી ગયા, "ચાલ ડીયર માનસ, અમારું કામ પૂરું, તું રહ્યો મમ્મી નો ડાહ્યો દીકરો એટલે તું તો આવ્યો નહિ, બાકી આવ્યો હોત તો મજા આવી જાત!". મિત્રો સાથે ચર્ચગેટ ફેશનસ્ટ્રીટ રખડીને માનસ પાછા રૂમ પર આવતાની સાથેજ સીધો કપડા ચેન્જ કરીને બેડ માં પડ્યો. મન તો હજુ તેનું કિંજલ માંજ અટવાયા કરતું હતું. અમદાવાદ માં માનસ જ્યાં રહેતો તેની બાજુની જ સોસાયટીમાં રહેતા વિમળાબેન ની એક ની એક દીકરી કિંજલ, સૌને જોતાજ ગમી જાય એવી. એ વખતે કિંજલ અગિયાર માં ધોરણમાં ભણતી અને માનસ બીકોમ નાં પહેલા વર્ષ માં. માનસ નાં પિતાનું અવસાન પાંચેક વર્ષ પહેલા જ થયુંહતું, ઘર ની પરિસ્થિતિ સાવ ખરાબ તો ન હતી તે છતાં પણ માનસ ની મમ્મી એ વાત કરતા કિંજલ નાં મમ્મી તેનું ટ્યુશન માનસ પાસે કરાવવા રાજી થયા હતા, અને નાં પણ કેમ થાય, માનસ નું વ્યક્તિત્વ જ એવું, દેખાવે અને સ્વભાવે શાંત, ભણવામાં હોશિયાર. કિંજલ ની કોઈ બહેનપણી નહિ, એક્લીજ હોય, હા, સ્કુલની ફ્રેન્ડ્સ સાથે ક્યારેક જોવા મળે. ચહેરા પર ક્યારેય મુસ્કાન નાં આવે, સીધી જ આવે , કોઈ છોકરા સામે હસીને જુએ નહિ, બસ એ અને એનું વ્યક્તિત્વ. સોસાયટી નાં નાકે ઉભા રહેતા છોકરાઓ પણ બસ જોઈ રહેતા, પણ કંઈ બોલવાની હિમ્મત કોઈ કરી શકતું નહિ. માનસ ને પણ મમ્મી એ વાત કરતા લાગ્યું હતું કે જોઈએ ચલો કેવું બને છે આપણું એની સાથે.

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

ટયુશનના પહેલા દિવસે માનસે કિંજલને થોડા પ્રશ્નો પૂછ્યા, થોડા દાખલા ગણવા આપ્યા. જ્યારે વિમળામાંસી ચા લઈને આવ્યા ત્યારે માનસે સામેથીજ કહ્યું, “માસી આતો એને હાલ કેટલું આવડે છે અને મારે શરૂઆત ક્યાંથી કરવી એ ખબર પડે એટલા માટે ટેસ્ટ જેવું લઉં છું”. માનસ જોઈ રહ્યો કે જ્યારે એ વાત કરતો હતો ત્યારે કિંજલ તેની સામું જ જોઈ રહી હતી, અને જ્યારે માનસે તેની સામું જોયું ત્યારે કિંજલ બીજી તરફ જોઈ તેની જુલ્ફોની લટ ને કાન પર સેરવવા લાગી, આ જોઇને માનસ તો જાણે પાગલ થઇ ગયો! અકાઉન્ટ ની થોડી શરૂઆત કરીને માનસ ઘરે ગયો, મન તો જાણે કિંજલ કિંજલ થઇ રહ્યું ! કાલે જ લાગ જોઇને તેને આઈ લવ યુ કહી દઉ, ના, પહેલા ફ્રેન્ડશીપ નું પ્રપોઝલ કરું. તેની અદા પરથી તો લાગે છે હા કહી દેશે, પણ આમતો બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છોકરી છે, કદાચ ગુસ્સે થઈને તેની મમ્મીને અને પછી વાત ઘર સુધી આવશે તો ??? શું કરું ? જો આ ટ્યુશન શરુ નાં કર્યું હોત તો હું પ્રપોઝ કરી જ દેત. કેટકેટલાં વિચારો માનસ ના મગજમાં આવી ગયા એકસાથે !

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

બીજા દિવસે માનસે ભણાવવાનું શરુ કર્યું અને પૂરું કર્યું, એમજ ચાલતું રહ્યું, માનસ કિંજલ ને પ્રપોઝ કરી શક્યોજ નહિ, પણ હા, આટલા દિવસો ના સાનીધ્ય થી એકબીજા ના ખાસ દોસ્ત બની ગયા હતા અને માનસ ને એજ ગમવા લાગ્યું. જે છોકરી કોઈની સામે ઘાસ ના નાખે તેનો આજે તે બેસ્ટ ફ્રેન્ડ હતો, એજ કારણ થી સોસાયટીના ઘણા છોકરાઓ ની ઈર્ષ્યાનું પણ તે કારણ બન્યો. માનસ ને એટલી જ ખબર હતી કે કીન્જલ ના પિતા નો સ્વભાવ સારો નથી, પણ એ દારુ પિતા હશે અને વિમળાબેન ને માર ઝુડ કરતા હશે તે નહોતી ખબર, આજે કિંજલે રડતા રડતા વાત કરી ત્યારે જ ખબર પડી. કિંજલ ખુબ રડવા લાગી, વિમળાબેન ઘરે નહોતા, અને તેણે સઘળી વાત માનસને કરી. કિંજલ તેના પપ્પા ને ખુબ પ્રેમ કરતી પણ તેમની દારુ પીવાની અને મમ્મીને મારઝૂડ કરવાની આદત કીન્જલ ને રડાવી દેતી. એ દિવસે કિંજલ ખુબ રડી, અને અજાણતા જ માણસના ખભા પર માથું મૂકી દીધું, અચાનક માનસ ની આંખ માં ઝળઝળીયાં આવી ગયા, માનસે કીન્જલને બાથ ભીડીને કહ્યું કે મારા પપ્પા ખુબ પ્રેમાળ હતા, તે અમને ખુબ પેમ કરતાં. બંને એ તે દિવસે એકબીજા ની ખુબ વાતો કરી, અને છુટા પડ્યા.

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

કીન્જલ ની સાથે થયેલી છેલ્લી મુલાકાતે માનસને વધુ આત્મવિશ્વાસી બનાવ્યો. માનસે તેના મન ને કહી દીધું, આ જ મારું પ્રપોઝલ અને આજ એનો જવાબ છે. કદાચ આ જ સાચો પ્રેમ છે જેને કોઈ સ્પષ્ટતાઓ ની જરૂર નથી. અમારા પ્રેમ ને કોઈ બાગ માં મળવા ની જરૂર નથી, કોઈ અપેક્ષા નથી કપલ રૂમ નાં એકાંત માં મળવાની, નવરાત્રી ના બહાને એકલા રાત્રીનો લાભ લેવાની પણ જરૂર નથી. માનસ એકદમ જેન્ટલમેન ની જેમ જ વર્તી રહ્યો. કિંજલ ની વધુ નજીક પણ બેસતો નહિ, ક્યારેય મસ્તીના બહાને શારીરિક અડપલા પણ નહિ. માનસે માની લીધું કે કિંજલ ને આવો જ પ્રેમ જોઈએ છે. માનસે ક્યારેય કિંજલ ને આઈ લવ યુ કહ્યું નહિ, બસ એકબીજા ના પરમ સખા બની રહ્યા. કિંજલ ને કંઈપણ જરૂર હોય, માનસ હાજર જ હોય. બીજા છોકરાઓની મશ્કરી સાંભળવી નાં પડે તે માટે માનસે મિત્રો પણ ઓછા કરી દીધા. કીન્જલે એડમીશન પણ માનસ ની કોલેજ માં જ લીધું. કોલેજ બાદ માનસે કોલ સેન્ટરની જોબ સ્વીકારી. માનસ રાહ જોઈ રહ્યો હતો વ્યવસ્થિત પગાર પર પહોચવાની કે જેથી એ કિંજલ ને મેરેજ માટે પૂછી શકે, આટલો વિશ્વાસ હતો તેને કિંજલ ની દોસ્તી પર.

એક દિવસે જયારે તે ઓફીસ થી પાછો ફર્યો ત્યારે કિંજલ એની મમ્મી સાથે તેના ઘરે જ બેઠી હતી. માનસની મમ્મી એ જ કહ્યું, બેટા બેસ, તારી આ દોસ્ત ક્યારની તારી રાહ જુએ છે. માનસે પૂછ્યું, બોલને કિંજલ, શું કામ છે? કિંજલ ની મમ્મી એ જ જવાબ આપ્યો, “કીન્જલ ની ફોઈ એક સરસ વાત લઈ ને આવ્યા છે કિંજલ માટે, છોકરો અમદાવાદ માં જ છે, સીએ થયેલો છે અને પ્રેક્ટીસ પણ કરે છે, કીન્જલે તેની સાથે મુલાકાત પણ કરી અને તેનો જવાબ પણ હા માં આવી ગયો છે. પણ કીજ્લ કહે છે એ તને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહિ લે. તો બેટા સમજાવ એને. માનસ તો સ્તબ્ધ થઇ ગયો. કઈ બોલ્યો નહિ”. કીન્જલે જ કહ્યું, “તું નાહી લે આજે તો શનિવાર છે તારે મંદિરે પણ જવાનું છે, હું પણ આવું અને આપણે વાત કરી લઈએ”. માનસ ને કંઇક આશા જન્મી, તે ઝટપટ નાહીને આવ્યો અને કિંજલને લઇ ને મંદિરે ગયો. પહેલા હનુંમાનજી ના દર્શન કર્યા અને પછી મંદિર ના એક બાંકડા ઉપર બેઉ બેઠા. અહી પણ કીન્જલે જ વાત શરુ કરી, “મેં તો સમીરને કહી દીધું છે, તમે મને અને મારા પરિવાર ને ગમે તેટલા ગમતા હોવ, પણ માનસને પૂછ્યા વગર હું કઈ નિર્ણય લેવાની નથી. એટલેજ મેં સમીરને ફોન કરી અહી તને મળવા બોલાવ્યો છે, આવતો જ હશે”. અહી પણ માનસ સ્તબ્ધ ! છતાં માનસે કહ્યું, “જો કિંજલ તને ગમ્યો છે છોકરો? સાચું કહે”. કીન્જલે બહાર મીટ માંડતા તેની સામું જોયા વગર જ જવાબ આપ્યો, “અરે હા, નહિ તો હું તને શું કામ મળવા બોલવું” ? એટલા માજ સમીર આવ્યો, દેખાવે ગોરો, હાઈટ પણ સારી, કરલી વાળ, આવતાની સાથે જ કિંજલ ની સામે જોઈ હાસ્ય વિખર્યું, અને માનસ ની સામે જોઈ બોલ્યો, “કેમ છો માનસ ભાઈ, હું સમીર, કીન્જલે તમને વાત તો કરીજ હશે, પૂછી લો શાંતિ થી જે પૂછવું હોય તે અને પ્લીઝ, ડિઝર્વ કરતો હોઉં તો જ પોઝીટીવ રીવ્યુ આપજો”. માનસ તો જાણે છેલ્લા બોલે પણ ક્લીન બોલ્ડ થતો હોય તેવું લાગ્યું. બોલ્યો, “અરે સમીર ભાઈ, કિંજલ તમને પસંદ કરે તો મારે તો માત્ર રબર સ્ટેમ્પ જ મારવા નો હોય, તમે પાસ!” થોડી ઔપચારિક વાતો કર્યા પછી સમીર છૂટો પડ્યો. કીન્જ્લે તરતજ પૂછ્યું, “કેમ માનસ, આજે મુડ નથી કે શું?” માનસે કહી દીધું , “હા કિંજલ મારે તારી સાથે લગ્ન કરવા હતા અને તું તારા મુરતિયાને મને મળાવે તો ક્યાંથી મુડ આવે?” કીન્જ્લે ટપાર્યો, “અરે મજાક ના કર હું સીરીયસલી પૂછું છું, સાચું બોલ”. માનસ શું બોલે? અચાનક ચમકારા ની માફક બોલ્યો, “કિંજલ તને તો ખબર છે મુંબઈ મારું ડ્રીમ સીટી છે, અને એક મોટા કોલ સેન્ટર માંથી મેનેજર ની ઓફર આવી છે, બાર લાખ નું પેકેજ છે. પણ તું તો તારા આ મુરતિયા સાથે આવતા મહીને જ લગ્ન કરવાની છે, અને મને નવી નોકરી માં પણ તેમના નવા પ્રોજેક્ટ ના લીધે છ મહિના કોઈ લીવ નહિ મલવા ની શરતે જોઈન્ટ કરવાનું કહે છે”. કિંજલ બોલી, “અરે આપણા બન્ને ના જીવન માં એક સાથે વળાંકો આવ્યા છે. સાચો મિત્ર એ છે કે જે બીજા ને રસ્તો બતાવે”. ઘરે આવી ને તરત જ માનસ ધાબા ઉપર ગયો અને મુંબઈ ફોન લગાવ્યો, “હેલો મી. માંડલિયા, આજે બપોરે આપણે વાત કરી હતી, અરે હા, જોબ જોઈન્ટ કરવાની મેં નાં પાડી હતી, પણ સર , હવે મારી ઇચ્છા છે જોબ કરવાની, જો શક્ય હોય તો મારું જોઈનીંગ કન્ફર્મ કરો , થેંક્યું વેરી મચ સર, હું આવતા અઠવાડિયે જોઈન્ટ કરી લઈશ, થેંકયુ વેરી મચ”.

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

જગદીશ પંડ્યા
ઈમેલ - jagdishpandya@yahoo.com

No comments:

Post a Comment